જિલ્લામાં જલારામ જયંતીની ધામધૂમપૂર્વક ઊજવણી કરાઈ

જલારામ બાપાની ૨૧૦ મી જન્મજયંતી ધામધૂમથી ઊજવાઈ : વિવિધ સ્થળોએ શોભાયાત્રામાં શ્રદ્ધાળુ જોડાયા : જય જલારામના નાદ ગુંજયા

શ્રી જલારામ બાપાની ૨૧૦ મી જન્મજયંતીની રવિવારે સમગ્ર જિલ્લામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પાલનપુર, ડીસા, દિયોદર, ધાનેરા, ભાભર, શિહોરી સહિતના સ્થળોએ શોભાયાત્રા નિકાળવામાં આવી હતી.

પાલનપુર ખાતે રવિવારે સવારે જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા હનુમાન ટેકરીથી શોભાયાત્રા યોજવામાં આવી હતી. શોભાયાત્રા એરોમા સર્કલ ખાતે પૂર્ણ થઇ હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભકતો જોડાયા હતા અને જયઘોષથી વાતાવરણ ગૂંજી ઊઠયું હતું.

આ અંગે પાલનપુર જલારામ માનવસેવા ટ્રસ્ટ અને લોહાણા સમાજના પ્રમુખ ગિરીશભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, ‘પાલનપુર-ડીસા હાઇવે નજીક સંત શિરોમણી શ્રી જલારામ બાપાનું મંદિર નિર્માણ કરવામાં આવશે જેનું ભૂમિપૂજન અને રામનામ મંત્રનો રવિવારે પ્રારંભ કરાયો હતો.

આ મંદિરમાં શૈક્ષણિક સેવાઓ, મેડીકલ સેવાઓ, અન્નાક્ષેત્ર જેવી માનવસેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.’ શોભાયાત્રામાં શ્રી જાનકીદાસ બાપુ, શ્રી સિતારામ બાપુ, શ્રી ચિનુભારથીજી સહિત ભકતો જોડાયા હતા.

ડીસા:ડીસાના જલારામ મંદિરે બુધવારે જય જલારામ ટ્રસ્ટ અને જલારામ સેવા મંડળ દ્વારા પૂજયશ્રી જલારામ જન્મજયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના સમયે જલારામ બાપાનો જન્મોત્સવ રાખવામાં આવ્યો હતો.

ત્યાર બાદ સંતવાણી અને ભજન કિર્તનની રમઝટ જામી હતી. બપોરે મહાપ્રસાદ બાદ શહેરમાં જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી જે મંદિરેથી નિકળી શહેરના રાજમાર્ગો પરથી પસાર થઇ સાંજે નીજ મંદિરે પરત ફરી હતી. શોભાયાત્રામાં જલારામ બાપાના જય ઘોષથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. મુખ્ય માર્ગો પર બેન્ડના તાલે રાસ-ગરબાની રમઝટ જામી હતી.

ધાનેરા : ધાનેરા ખાતે રવિવારે ઠક્કર સમાજ દ્વારા જલારામ બાપાની ૨૧૦ મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. રવિવારે ઠક્કર સમાજ, સીંધી, મહેશ્વરી સમાજ તેમજ શહેરના અગ્રણીઓએ મંદિર ખાતે જલારામ બાપાની મહાઆરતી ઉતારી હતી તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું.

આ અંગે રઘુવંશી લોહાણા સમાજના પ્રમુખ પ્રફુલભાઇ પુજારાએ જણાવ્યું હતું કે, ‘ધાનેરામાં જલારામ જયંતિની બે જગ્યાએ ઉજવણી થતી હતી પરંતુ મંદિર બનતાં હવે એક જ જગ્યાએ જલારામ જન્મજયંતીની ઉજવણી કરીએ છીએ. જેથી ભાઇચારાનું વાતાવરણ કેળવાય છે.’

શિહોરી : શિહોરી લોહાણા મહાજન દ્વારા જલારામ બાપાની ૨૧૦ મી જન્મજયંતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે પૂજનવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ લોહાણા મહાજનવાડીએથી શોભાયાત્રા નિકળી હાઇવે ચાર રસ્તા, બસ સ્ટેન્ડ, ગરબી ચોક વગેરે શિહોરીના જાહેરમાર્ગોનું પરિભ્રમણ કર્યું હતું.

જેમાં ફટાકડા, બેન્ડવાજા, બગી, ઢોલ-નગારા, ઊટલારી સાથે મોટી સંખ્યામાં ભાવિક ભકતો જોડાયા હતા. આ પ્રસંગે લોહાણા સમાજનો ભોજન પ્રસાદ સમારંભ ગણપતરામ ત્રિભોવનદાસ પરિવાર, જીવરાણી દેવરામભાઇ ત્રિભોવનદાસ પરિવાર દ્વારા રાખવામાં આવ્યો હતો. તેમજ રાત્રે લોકકલાકાર ફરીદામીરના ડાયરાનું આયોજન કરાયું હતું.

દિયોદર : દિયોદર ખાતે પ.પૂ. સંત શીરોમણી રઘુવંશી લોહાણા સમાજના મહાન તપસ્વી પૂજય જલારામબાપાની જન્મજયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે લોહાણા સમાજના વેપારી ભાઇઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી આ પાવન પ્રસંગમાં જોડાયા હતા.

જેમાં વહેલી સવારે જલારામ પાર્ક ખાતે પૂ. જલારામ બાપાની પ્રતિમાની પૂજનવિધી, મંગલા-આરતી, ધૂન, જ્ઞાતિના તેજસ્વી તારલાઓનું સન્માન, વડીલો દ્વારા સમાજને આદર્શ સૂચનો, માર્ગદર્શન, સમાજની એકજૂથતા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો.

ત્યારબાદ બપોરે રામજી મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા નિકળી મેઇન બજાર અને સમગ્ર નગરમાં પરિભ્રમણ કર્યું હતું. શોભાયાત્રા દરમિયાન રાસ-ગરબા, પૂ. બાપાની ધૂન યોજાઇ હતી. રાત્રે ખીચડી-કઢીના ભોજન પ્રસાદ બાદ કલાકાર રજનીભાઇ દવે (સુરેન્દ્રનગર)દ્વારા હાસ્ય અને સાહિત્યનો કાર્યક્રમ યોજાયો હતો.

ભાભર : ભાભર ખાતે અંબિકાનગરમાં આવેલા પૂજય જલારામ બાપાના મંદિરે રવિવારે ભાવિક ભકતો ઊમટી પડ્યા હતા. જયાંથી સાંસ્કતિક, ઐતિહાસિક અને ધાર્મિક વેશભૂષા સાથે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. જેમાં ભાભરના આર્યસમાજ મંદિરના યુવાનોએ લાકડીઓ ખેલવી, તલવારો તેમજ થોકબંધ નળિયાં ફોડવા, માથા ઉપર ટયુબ લાઇટની પાઇપો ફોડવી તેમજ માથા ઉપર લાકડીના ફટકે નાળિયોર વધેરવું જેવા દિલધડક કાર્યક્રમો આપ્યા હતા.

થરા : થરા ખાતે શ્રી અખિલ રઘુવંશી લોહાણા સમાજ દ્વારા જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે લોહાણા મહાજનવાડી ખાતે પૂ. જલારામ બાપાની પૂજા વિધિ-આરતી બાદ ત્રણબગી, બેન્ડની સૂરાવલી સાથે શોભાયાત્રા નિકળી હતી.

જે રામજી મંદિર, બહુચરાજી મંદિર રોડ, જૈન દેરાસર, દરબારગઢ, તરેવાડીયાવાસ, તક્ષશીલા, ગોકુળનગરથી પરત આવી હતી. જયાં કાંતિલાલ શંકરલાલ ઠક્કર, જીતુભાઇ વકીલ તરફથી ભોજન પ્રસાદ, બપોરે વ્યાખ્યાન, સતસંગ તથા સાંજની આરતી ગીરધરલાલ ઠક્કર પરિવાર દ્વારા તથા સાંજે ભોજન પ્રસાદ પી.વી. ઠક્કર તથા એસ.પી. ઠક્કર (અમરાપુર) દ્વારા આપવામાં આવ્યો હતો.

Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s