જ્ઞાનથી સમાધાન થાય, ભક્તિથી ભાવ મળે, તપથી હલકા થવાય પણ શાન્તિ માટે મંત્રજાપ જેવું કોઇ સચોટ સાધન નથી

આજનો માણસ સુખ-સમૃદ્ધિનાં સાધનો વચ્ચે જીવે છે પરંતુ તેના હૃદયને શાન્તિ નથી હોતી. તેનું ચિત્ત હંમેશાં સંકલેશોથી ઘેરાયેલું રહે છે. જેને કારણે તે મળેલી સમૃઘ્ધિ પણ સુખે ભોગવી શકતો નથી. આવી પરિસ્થિતિમાં શાન્તિ મેળવવાનો એક જ રાજમાર્ગ છે અને તે છે ઇશ્વર સ્મરણનો. ધર્મમાં જ્ઞાન, ભક્તિ અને તપના ત્રણ ધોરી માર્ગ છે પણ એમાં જ્ઞાનથી સંદેહનું સમાધાન થાય, ભક્તિથી ભાવ મળે, તપથી હળવાશનો અનુભવ થાય, પણ સદ્યશાન્તિનો માર્ગ છે ઇશ્વર સ્મરણનો.
આ બાબતે માણસે કયા દેવનું સ્મરણ કરવું તે પણ પ્રશ્ન નથી. બીજું કંઇ ન ફાવે કે સમજ ન પડે તો માણસે પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરવું. એમ કરવામાં તેને કંઇ અડચણ નહિ પડે અને સરળતાથી તેનું ચિત્ત ઇશ્વર સાથે તન્મયતા સાધી લેશે. આપણા મનમાં એ પણ પ્રશ્ન થાય કે ઇશ્વરનું સ્મરણ કેવી રીતે કરવું ? ઇશ્વરના જીવન વિશે ચિંત્વન કરીને પણ તેનું સ્મરણ થઇ શકે. તેના ગુણોનું ગાન કરીને પણ પરમાત્માનું સ્મરણ થઇ શકે પણ સૌથી સરળ અને સુગમ માર્ગ છે તેના નામનું સ્મરણ કરવાનો.
પરમાત્માનું નામ એ પણ એક મંત્ર છે. તેના નામના જ અક્ષરો છે તે પ્રત્યેક અક્ષરમાં પણઅનર્ગળ શક્તિ રહેલી હોય છે. જેમ જેમ ભગવાનના નામનું રટણ થતું જાય છે તેમ તેમ તેમાંથી શકિત ફૂટવા લાગે છે અને મન શાન્ત થઇ જાય છે. કાળક્રમે ચિત્ત પ્રસન્નતા અનુભવે છે.
નામસ્મરણનો જો પૂર્ણ લાભ પ્રાપ્ત કરવો હોય તો તે કરતા પહેલાં માણસે તેના ઉદ્દેશ વિશે સ્પષ્ટ થઇને પરમાત્માની પ્રાર્થના કરવી જોઈએ ઃ હે પરમાત્મા ! હું તારા નામમંત્રનો જાપ શરૂ કરૂં છું. જેનાથી મારું મન નિર્મળ થાઓ. મારું જીવન પવિત્ર રીતે પસાર થાય, મારા વ્યવહાર નિર્લેપ ભાવે ચાલ્યા કરે, મારી મલિન વાસનાઓનો નાશ થાય અને મારા કર્તવ્ય પ્રતિ હું સભાન બની રહું. હે પરમાત્મા ! તમારા નામ સ્મરણથી મારા આત્માના સર્વે સંકલેશો દૂર થશે અને મારું ચિત્ત પ્રસન્નતાથી ભરાઈ જશે.
પ્રાર્થના કર્યા વિના કરેલા મંત્ર જાપનું બહુ અલ્પ ફળ મળે છે. ઉદ્દેશની સ્પષ્ટતા વિનાનો મંત્ર જાપ કયાં લઇ જાય ? જયાં મુકામનાં જ ઠેકાણા ન હોય ત્યાં યાત્રાની દિશા કેવી રીતે નક્કી થાય ? અને દિશા વિનાની યાત્રાનું ફળ શું મળે ? પરમાત્માના નામનું સ્મરણ કરતાં આપણું પરમાત્મા સાથે સૂક્ષ્મ રીતે અનુસંધાન થાય છે અને મંત્ર આપણી અને પરમાત્મા વચ્ચે એક સેતુ જેવો બની જાય છે – જેની દ્વારા પરમાત્માની કૃપાનું આપણા ઉપર અવતરણ થાય છે.
આપણે જે ઈષ્ટદેવનું સ્મરણ કરીએ તેનામાં આપણને શ્રઘ્ધા હોવી જોઈએ કે તે પૂર્ણ છે, પવિત્ર છે, તે મને જીવનમાં આગળ વધારવામાં સહાય કરશે, તે મારી મુશ્કેલીઓ દૂર કરશે ઇત્યાદિ. મંત્રમાં શકિત પૂરનાર પરમાત્મા પ્રતિની શ્રઘ્ધા છે. શ્રઘ્ધા વિના કરેલ મંત્રજાપ ફળતો નથી. વળી કોરુ રટણ પણ એટલું ઉપયોગ થઇ પડતું નથી. મંત્ર સાથે ભાવ ભળે ત્યારે મંત્રાક્ષરોમાંથી શક્તિ પ્રગટ થાય છે. નામ મહત્વનું છે પણ ભાવ તેના કરતાં વધારે મહત્વનો છે.
પરમાત્માનું સ્મરણ કરતાં મનને બીજા વિચારોમાં જવા ન દેવું જોઈએ. મન જયારે મંત્ર સાથે એકાગ્ર થઇ જાય છે ત્યારે જ મંત્રના અક્ષરોમાંથી શકિતના આવિર્ભાવ થાય છે. મંત્ર જાપ કરતી વખતે મન અન્ય વિષયોમાં ભટકતું રહે તો શકિતનો સંચય થતો નથી અને ઉત્પન્ન થતી શક્તિ વિખરાઇ જાય છે. જેમ ખેડૂત ખેતરમાંથી ફાલતુ ઘાસને નિંદી નાખે છે તેમ જપ કરતાં જે ફાલતુ વિચારો આવ્યા કરે તેને સાધકે વિખેરી નાખવા જોઈએ. મંત્રનો જાપ કરવાથી આસપાસના વાતાવરણમાંના શુભ પરમાણુઓ આપણી તરફ ખેંચાઈ આવે છે અને આપણી આજુબાજુનું વાતાવરણ પવિત્ર બનતું જાય છે. મંત્રના રટણથી અશુભ પરમાણુઓથી આપણો બચાવ થાય છે. મંત્ર એક રીતના કવચનું કામ કરે છે.
મંત્રનું જેમ જેમ રટણ થતું જાય છે તેમ તેમ તેની શકિત પ્રગટ થતી જાય છે – જેને કારણે અનુકૂળતાઓ આવી મળે છે. અણધારી સહાય થાય છે, પ્રતિકૂળતાઓ દૂર થાય છે, મનની મૂંઝવણ ઓછી થતી જાય છે, મંત્રજાપથી આપણી મુશ્કેલીઓ દૂર ન થાય તો પણ તેને સહન કરવાની આપણામાં શકિત ઉત્પન્ન થાય છે. વ્યવહારમાં પણ લોકો આપણો વિશ્વાસ કરે છે અને તેમનો આપણા પ્રતિનો વ્યવહાર પ્રેમપૂર્ણ થઇ જાય છે.
ઘણીવાર સાધકના મનમાં પ્રશ્ન થાય છે કે કયા મંત્રનો જાપ કરું તો મને વધારે ફાયદો થાય ? સામાન્ય રીતે માણસે પોતાના ઇષ્ટદેવના નામના મંત્રનો જાપ કરવો જોઇએ કારણ કે માણસનું તેની સાથે જન્મથી અનુસંધન થયેલું હોય છે. તેને તેનામાં સહજ શ્રઘ્ધા હોય છે. જે મંત્રમાં શ્રઘ્ધા હોય તે સત્વરે ફળે છે. બાકી મંત્રમાં પ્રાણ આપણે પૂરવાનો હોય છે. જયાં સુધી મંત્રનો જાપ ન થાય ત્યાં સુધી તે સુસુપ્ત અવસ્થામાં હોય છે. મંત્રનો જાપ કરતાં મંત્ર જીવંત બને છે અને જેમ જેમ જાપ સારી રીતે થતો જાય તેમ તેમ તેનામાં શકિતનું પ્રગટીકરણ થાય છે.

Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s