બંડી પોતડીનો સર્વોદયવાદ

આ દેશની માટીમાં આળોટેલાં માનવીના રકતમાં એવી સમજણ અને ટેક ભર્યાં છે કે એ ભૂખે મરી જાશે પણ ધર્માદો નહીં ખાય. એની ગળથૂથીમાં એવી શિખામણ પિવડાવી છે કે સાધુ બ્રાહ્મણનો પૈસો નહીં લ્યે.
સાવરકુંડલાના આજીવન લોકસેવક, ગાંધીભકત, આગેવાન કાર્યકર એવા અમુલખ ખીમાણી અવારનવાર પ્રજાકીય કામે ભાવનગર જાય અને વળતે ફેરે બગદાણા, બાપાના આશ્રમે જાય. બાપા નિખાલસ, સત્યવકતા સાધુ અને અમુલખભાઇ પણ સાફ દિલના કાર્યકર. બંનેને સારું બને.
અમુલખભાઇ આ વખતે બગદાણા ગયા ત્યારે રોંઢાનો સૂરજ ઢળી ગયો હતો. બાપાની જગ્યામાં ડોશીઓ, વહુઓ, દીકરીઓ કૂવેથી સિંચી સિંચીને બગીચો પાતી હતી. ફૂલ-ઝાડ, ફળ-ઝાડની સાથે બગીચાનાં આવળ, બાવળ અને બોરડી પણ પાણીએ રસકાબોળ થતાં હતાં. આડેધડની આ પ્રવત્તિ જોઇને અમુલખભાઇ મનોમન રમૂજે ચડી ગયા : ‘આનું નામ બાપા. નહીં કોઇ આયોજન, નહીં પ્રયોજન, સુયોજન તો કયાંથી હોય! પાણી અને નાણાં-બંનેનો બગાડ!’ છેવટે પાણી પાવાનો કાર્યક્રમ પૂરો થયો.
પાવાવાળા બધાંય શ્રમિકો બાપા આગળ કતારબંધ બેસી ગયા. બાપાએ આસનિયા નીચેથી પૈસા કાઢયા અને બેડાંના ભાવે સૌને ચૂકવવા માંડયાં. પૈસાથી મુઠ્ઠીઓ ભરાતા મજૂરોના ચહેરા ચમકી ઊઠયા. રામની ધૂન લેતાં લેતાં બધા ઘર તરફ જતા રહ્યા.
‘બાપા, એક વાત પૂછવી છે, પૂછું?’ અમુલખભાઇ.
‘પૂછો પૂછો વા’લા!’ બજરંગદાસ બાપુ.
‘આ પાણી પાવાવાળા કયાંના?’
‘આ ગામનાં -બગદાણાનાં.’
‘રોજ આ રીતે પાણી પાય છે?’
‘ફાગણથી શ્રાવણ સુધી રોજ. પછી મજૂરી મળે ત્યારે બે-ત્રણ દિવસે એક વાર.’
‘પાણીનો બગાડ બહુ થાય છે બાપુ! ફળ-ઝાડ અને ફૂલ-ઝાડ તો બરાબર પણ આવળ, બાવળ અને બોરડીનાં ઝાળાંને પણ?’ ‘ભાઇ, આ આશ્રમ કોનો?’
‘બજરંગદાસ બાપુનો.’
‘સાંભળો વા’લા! બજરંગદાસ માણસોનો બાપુ એમ ઝાડવાંનો પણ બાપુ. વારો તારો કરે ઇ બાપુ ન કહેવાય. હો ખીમાણી! જેવા મારા સેવકો એવાં મારાં ઝાડવાં. બચ્ચારા આવળ, બોરડી અને ગાંડા બાવળને પણ રાજીપો થવો જોઇએ કે બાપુને આશ્રમે ઊગીને આપણે ન્યાલ થઇ ગયાં. ખોટી વાત છે વા’લા?’
‘પણ બાપુ! પાણી પાવાના આપ ઘણા બધા પૈસા ખર્ચોછો.’
‘તે ઇ પૈસા કયાં મારા અદાના હતા હૈ?’
લોકો મને આપે છે અને હું લોકોને આપું છું.’
અમુલખભાઇ સ્તબ્ધ થઇ ગયા. અહીં ‘સર્વોદય’નું કોઇ પાટિયું નથી. સર્વોદયનું કોઇ પ્રકાશન નથી કે નથી કોઇ શિબિર સંમેલન છતાં સર્વોદયના વિચારને વેંત વધે એવો ઉદ્દેશ?
‘ખેમા બાપા, મારું એક સૂચન છે માનશો?’
‘જો ભાઇ, હું મૂળે તો બાવો. બાવો કયાંય બંધાય નૈ. બાવો ઊઠયો કે બગલમાં હાથ… અમે સૂચનો સલાહો જો સ્વીકાર્યાં હોત તો સંસારી થઇને ધુબાકા ન મારતા હોત? સાચું કે ખોટું વા’લા? જેને વળ કવળની ગમ ન હોય એ બાળો થાય છતાં અમુલખભાઇ, તમારા નિ:સ્વાર્થ લોકસેવાથી હું રાજી છું. હોઉ જ ને? તમે ભારતના સ્વરાજ માટે માર ખાધા, જેલમાં ગયા, ભૂખે મર્યા અને આજની તારીખે ખાલી ખિસ્સે પગદોડ કરો છો. બોલો, તમ તમારે.’
nanabhai_jebalia_gujarati_navlika‘તો બાપુ આ મજૂરોને બદલે મશીન મુકાવો અને એક દાડિયો રાખો ઓછા ખર્ચે વધારે કામ.’
‘એનો જવાબ હું પછી આપીશ ખીમાણી! પણ તમે મને જવાબ આપો કે તમે આ ચાદરા જેવી ગાંઠા -ગડફા ખાદી શું કામે પહેરો છો. મિલના મજેદાર કપડાં પહેરોને ખાદીનો આગ્રહ શા માટે?’
‘એટલા માટે બાપુ કે ખાદી આપણો ગ્રામ ઉધોગ છે. ગરીબ કારીગરોને રોજીરોટી આપે છે. ગામનો પૈસો ગામમાં જ રહે છે.’ ‘તો અમુલખભાઇ, આ આશ્રમે પણ ગ્રામધોગ ચાલે છે. તમે તો વિદેશી ચીજો માટે હોળીઓ પ્રગટાવી હતી. હવે સાંભળો, દેશી વસ્તુના તમારા સિદ્ધાંતની પંકિતમાં માનભેર બેસી શકે એવો આ મારો સિંચાઇ ઉધોગ છે.’
ખીમાણીને મોટાભાગની વાત સમજાઇ ગઇ. મૌન બની ગયા.
‘હવે આંગળીના વેઢા ગણો વા’લા! તમને ગણાવી દઉં. મશીન ચલાવવા જોઇતું ક્રૂડ દેશી કે વિદેશી?’
‘વિદેશી’
‘વિદેશી ચીજનો પૈસો દેશમાં રહે કે વિદેશમાં જાય?’
‘તમારી વાત સો ટકા સાચી બાપુ!’
‘બસો ટકા સાચી લાગે એવી બીજી વાત કરું.’
બાપા હસ્યા. અમુલખભાઇએ જિજ્ઞાસાભરી નજર નોંધી.
‘જુઓ વા’લા! પાણી પાનારા બધા ગરીબ મજૂરો છે. ઉનાળામાં તો સાવ બેકાર. માટે ઉનાળામાં રોજ પાણી પાવા બોલાવું છું.’ ‘સમજાઇ ગયું.’ ખીમાણી સંમત થયા.
‘આ દેશની માટીમાં આળોટેલાં માનવીના રકતમાં એવી સમજણ અને ટેક ભર્યાં છે કે એ ભૂખે મરી જાશે પણ ધર્માદો નહીં ખાય. એની ગળથૂથીમાં એવી શિખામણ પિવડાવી છે કે સાધુ બ્રાહ્મણનો પૈસો નહીં લ્યે. ભૂખે મરશે, પેટ પર પાટા બાંધશે પણ સાધુ બ્રાહ્મણનું મફતમાં ખાશે નહીં.’
‘એ વાત પણ સોળ આના, હોં બાપુ.’
‘હવે સમજયા. વાલા.’
બજરંગદાસજી આછું હસીને ઉમેરી રહ્યા ‘આશ્રમના સાધુ લખે એના હાથમાં હજાર હજારની નોટ મૂકું તો હાથમાં ન ઝાલે પણ મજૂરીના બે રૂપિયા દઇશ તો હસીને લઇ લેશે અને વાલા! હવે વાત રહી આશ્રમનાં આવળ, બાવળ અને લીંબડા, બોરડીની એ બધાં ઝાડ મૂકીને કેવળ ફળઝાડ અને ફૂલઝાડને જ પાણી પીવડાવું તો માંડ બે-ચારને મજૂરી મળે.
મારે તો દસ-વીસને મજૂરી આપવાની ઇરછા હોય માટે બધાં ઝાડ પીવડાવું. સમજાય છે ને ખીમાણી? કાળો ઉનાળો હોય, કડેડાટ બેકારી હોય એવે વસમે સમે પાણી પાવાના બહાનાતળે સૌને મજૂરી મળે અને પોરો ખાઇ જતી એની તાવડીઓ ચૂલે ચડે બાપ!’ અને બજરંગદાસ બાપુ બાળક જેવું ખડખડાટ હસી પડયા. ‘લ્યો ભાઇ, આ છે બાપાની વાતું. તમે ગાંડા ગણો કે ડાહ્યા. પણ અમે લીધી વાત ન મૂકીએ. હોં વા’લા.’
અમુલખભાઇ ખીમાણીને ગળે ઘૂંટડો ઊતરી ગયો કે સર્વોદયવાદ અને સમાજસેવાના છોગલિયાળા સાફા બાંધીને વાણીનો વ્યય કરતા ચોખલિયાઓએ એના મિથ્યાપણાના ગાંડપણને ધોવા માટે, સૂગ અને છોછ ઓછાં કરીને ભાભભૂતડા દેખાતા આવા સાધુઓની આંતરિક મિરાતનો અભ્યાસ કરવા આવા આશ્રમે એક રાત અને એક દિવસ ગાળવો જોઇએ જેથી સાચી ગરીબીના સગડ શોધવાની સમજણ મળે.
(કથા આધાર ‘વસ્તુ અમુલખ જડી’ પુસ્તકમાંથી)

Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s