રાષ્ટ્રપ્રેમ અને અધ્યાત્મના સમન્વયરૃપ એવા સંત શિરોમણી બજરંગદાસ બાપુ

 

સત્તાધારમાં સંત થયા,અને પરબે પ્રગટયા છે પીર

એ ઓલિયો થઈને અવતરિયો બગદાણે બજરંગ વીર
મેલીઘેલી બંડી,ગોદડી અને એક લાકડાની પાટ,સાવ ગારથી લીંપેલી નાની મઢૂલીમાં રહીને લાખો લોકોમાં અનોખી ભક્તિ જગાડનાર બગદાણાના સંત શ્રી બજરંગદાસ બાપાને સૌ જાણે છે. આજે તો કેવળ સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં અને દેશ-વિદેશમાં  બાપા સીતારામ ના નામની આહલેક વર્તાઈ રહી છે. બજરંગદાસ બાપાનો આશ્રમ ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે આવેલો છે. જ્યાં વર્ષે- દહાડે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે.
બજરંગદાસ બાપાનો જન્મ ંઆધેવાડા ખાતે  રામાનંદી સાધુ હીરાદાસને ત્યાં થયો હતો. તેમની માતાનું નામ શિવકુંવરબા હતું. હીરાદાસને ત્રણ પુત્રો હતા તેમાંના એક બજરંગદાસ બાપુ. બજરંગદાસ બાપાનું સાંસારિક નામ ભક્તિરામ હતું.   તેઓ સ્વભાવે થોડા જિદ્દી અને ગુસ્સાવાળા હતા. પરંતુ તેમનામાં ભગવાન રામ પ્રત્યે અપાર ભક્તિ હતી. એક વાર પિતાના સ્વભાવને કારણે તેમણે ઘર છોડી દીધું. ફરતા ફરતા તેઓ અયોધ્યા પહોંચ્યા અને ગુરુ સીતારામજી પાસેથી દીક્ષા પણ લઈ લીધી.
યુવાન અવસ્થામાં તેમણે સ્વાતંત્ર્યની ચળવળમાં પણ ભાગ લીધો હતો. ત્યારબાદ ભાવનગરના પાલિતાણા પંથકમાં આવેલ વાળુકડની હનુમાનજીની જગ્યામાં ત્યાર બાદ કણમોદર અને પછી ત્યાંથી બગદાણાની જગ્યાએ આશ્રમ સ્થાપ્યો હતો. શરૃઆતમાં તેમણે બગડ નદીના કિનારે બગડેશ્વર મહાદેવ મંદિરમાં નિવાસ રાખ્યો હતો. આ પછી ગામમાં આવેલ હનુમાનજીની જગ્યામાં સતત બાર વર્ષ સુધી તપ કર્યું હતું. ગામમાં સતત ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહેતા તે જગ્યાએ વધુ ભીડ થતા ગામની બહાર હેડમતાણુ નદીની નજીક ખુલ્લી જગ્યામાં આશ્રમ સ્થાપ્યો. આશ્રમની વિધિવત્ સ્થાપના ૧૯૫૮માં કરવામાં આવી હતી. જ્યારે અન્નક્ષેત્ર ૧૯૬૧માં ૨૩ ફેબ્રુઆરીએ શરૃ કરવામાં આવ્યું હતું.તે સમયે બજરંગદાસ બાપાએ શરૃ કરેલું આ સેવાકાર્ય આજે વટવૃક્ષ બનીને લાખો શ્રદ્ધાળુઓને ભક્તિ અને સેવાનું અનુપમ ઉદાહરણ પૂરું પાડી રહેલું છે.
૧૯૬૧માં વિનોબા ભાવેએ ભૂદાન ચળવળ શરૃ કરી હતી. બાપાએ ત્યારે ગામમાંથી છ વીઘા જમીન ખરીદીને ખેતવિહોણા મજૂરોને તે જમીન આપી દીધી હતી. આ ઉપરાંત ૧૯૬૨માં જ્યારે ચીન સામેના યુદ્ધ વખતે સંરક્ષણ ફંડમાં તેમણે પોતાની પાસે જે કાંઈ હતું તેની હરાજી બોલાવી તે રકમ દેશ ખાતર આપી દીધી હતી. ૧૯૭૧માં પણ પાકિસ્તાન સામેના યુદ્ધમાં સંરક્ષણ ફંડ આપવા તેમણે બધું વેચી માર્યુ હતું. તેઓ કહેતાં કે દેશ આફતમાં હોય ત્યારે જે હોય તે બધું જ કામે લગાડી દેવું. સૌરાષ્ટ્રમાં લાખો લોકોને તેમના પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. પરંતુ તેમણે એવો ક્યારેય દાવો નહોતો કર્યો કે તેઓ ચમત્કારી સંત છે.
બજરંગદાસ બાપા લોકોને હંમેશા કહેતા કે ભગવાન શ્રીરામ,શ્રી હનુમાનજી પર શ્રદ્ધા રાખો. તેમણે કોઈ વ્યક્તિને ક્યારેય દીક્ષા આપી નથી કે કંઠી પહેરાવી નથી. આમ છતાં પણ આજે કરોડોની સંખ્યામાં લોકો બાપા સીતારામ કહેતા ભક્તિનો અનોખો ભાવ અનુભવે છે. આજે તો ગુજરાતના ખૂણેખૂણે બાપા સીતારામની મઢૂલી અને સેવાક્ષેત્રો ખૂલેલાં છે. સામાન્ય માનવીમાં આસ્થાનો દીવો પ્રગટાવનાર બજરંગદાસ બાપાએ ૭ જાન્યુઆરી,૧૯૭૭ના રોજ દેહત્યાગ કર્યો હતો. બાપા બજરંગદાસના સ્વર્ગલોક પછી પણ તેમણે શરૃ કરેલ અન્નક્ષેત્રનું કાર્ય અટક્યું નહીં પરંતુ વધુ વેગવાન બન્યું. આજે તો સામાન્ય દિવસોમાં પણ બગદાણામાં શ્રદ્ધાળુઓની દર્શન માટે મોટી ભીડ જોવા મળતી હોય છે. દર મહિનાની પૂનમે મેળા જેવું વાતાવરણ બને છે. પોષ વદ ચોથના રોજ અહીં મોટો મેળો ભરાય છે જેમાં ગુજરાતના ખૂણેખૂણેથી લોકો આવતા રહે છે.
– પ્રજાપતિ અલ્પેશ, વાડોલિયા
 

Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s