દીનદુખિયાના બેલી બાપા બજરંગદાસ

લાખણકા ખાતે બાળપણ વિતાવનાર બાપાશ્રીને સંસાર અસાર લાગતાં માત્ર ૧૬ વર્ષની વયે ઘરનો ત્યાગ કરી સાધુ બનવા ચાલી નીકળ્યા. તે સમયે તેઓ બજરંગદાસ તરીકે ઓળખાવા લાગ્યા. બાપાશ્રી વિચરતા વિચરતા વલસાડ બાજુ પહોંચી ઔરંગા નદીના કિનારે બેઠા હતા ત્યારે ત્યાંથી સીતારામદાસબાપુ ખાખચોડવાળાની જમાત સાથે નાસિકના કુંભમેળામાં જવાનું મન થતાં તેઓ આ સંઘ સાથે જોડાઇ ગયા…Bajrangdasbapa

દીનદુખિયાઓના બેલી તરીકે જાણીતા સંતશ્રી બજરંગદાસબાપાના માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત જ નહીં બલકે દેશ-વિદેશમાં પણ અનેક ભક્તો છે અને તેઓને અનેક પરચાઓ મળેલા છે. પોતાના ભક્તોની હાંક સાંભળી તેમણે અસંખ્ય ભક્તોનાં સંકટો દૂર કર્યાં છે.

આથી જ ગુરુપૂર્ણિમા અને દર પૂનમના દિવસે બાપાશ્રીનું ઋણ ઉતારવા માટે અસંખ્ય શ્રદ્ધાળુઓ ઊમટી પડે છે. બાપા સીતારામનો નાદ આપનાર સંત બજરંગદાસ બાપાની પોષ વદ ચોથના દિવસે પુણ્યતિથિ છે ત્યારે તેમના જીવન પર એક દ્રષ્ટિપાત કરીએ.

અનેક લોકોના જીવનમાં ઉજાસ લાવી દેનાર બાપાશ્રીનો જન્મ ભાવનગરથી ૬ કિ.મી. દૂર આવેલા અધેવાડા ગામથી એકાદ કિ.મી. અંદરના ભાગે આવેલા શ્રી ઝાંઝરિયા હનુમાનદાદાના શરણમાં થયો હતો. બાપા શિવકુંવરબાની કૂખે અવતર્યા હતા. તેમના પિતાનું નામ હીરાદાસજી હતું.

હીરાદાસજી ભાવનગરના લાખણકા ગામે રહેતા હતા. જ્યારે મોસાળ બુધેલ પાસે માલપરા ગામે હતું. શિવકુંવરબા લાખણકાથી પિયર માલપરા તરફ આવી રહ્યાં હતાં ત્યારે અધેવાડાના ઝાંઝરિયા હનુમાન પાસે બાપાશ્રીનું પ્રાગટ્ય થયું હતું.

તેમનું નામ ભક્તિરામ રખાયું હતું. બાપાશ્રીનો પરિવાર રામાનંદ કુળનો હતો. બાળપણથી જ તેઓ અનેરો ભક્તિભાવ ધરાવતા હતા અને સંતોનાં સાંનિઘ્યમાં રહેવા લાગ્યા હતા.

લાખણકા ખાતે બાળપણ વિતાવનાર બાપાશ્રીને સંસાર અસાર લાગતાં માત્ર ૧૬ વર્ષની વયે ઘરનો ત્યાગ કરી સાધુ બનવા ચાલી નીકળ્યા. તે સમયે તેઓ બજરંગદાસ તરીકે ઓળખાવા લાગ્યા. બાપાશ્રી વિચરતા વિચરતા વલસાડ બાજુ પહોંચી ઔરંગા નદીના કિનારે બેઠા હતા ત્યારે ત્યાંથી સીતારામદાસબાપુ ખાખચોડવાળાની જમાત સાથે નાસિકના કુંભમેળામાં જવાનું મન થતાં તેઓ આ સંઘ સાથે જોડાઇ ગયા.

રસ્તામાં ગાઢ જંગલમાં વાઘનો ભેટો થઇ જતા સંઘના અન્ય લોકો ગભરાઇ ગયા પણ હિંમતવાન બજરંગદાસે તો વાઘથી જરા પણ ડર રાખ્યા વગર સીતારામ-સીતારામનો જાપ જપતાં-જપતાં વાઘને બહાદૂરીપૂર્વક ભગાડી દઇને પોતાની ભક્તિ અને શક્તિનો પરચો આપી દીધો.

બાપાથી પ્રભાવિત થઇ ગુરુદેવ શ્રી સીતારામદાસબાપુએ નાસિક ખાતે ત્યાં વહેતી ગોદાવરી નદીનાં જળમાં રાખનો બનાવેલ મોટો પિંડ મંત્રોચ્ચાર સાથે બાપાના આખા શરીરે લગાડી દઇ ખાખીની દીક્ષા આપી. સીતારામદાસબાપુ તેહરાભાઇ ત્યાગીના મહંત હોઇ બજરંગદાસબાપાને પણ તેહરાભાઇ ત્યાગી ખાલસામાં દીક્ષા આપવામાં આવી.

કુંભમેળો પૂર્ણ થયા બાદ જમાત નાસિકથી નીકળી મુંબઇ ખાતે ચોપાટી પર આવી. ત્યારે ત્યાં અત્યંત ગરમી હોઇ સૌ કોઇને તરસ લાગી હતી, પણ પીવાના પાણીની તકલીફ હતી. સીતારામદાસબાપુએ બાપાશ્રીને પાણીની વ્યવસ્થા કરવાનું કહેતા બાપાશ્રીએ ત્યાં જ ચોપાટીની રેતીમાં સીતારામ સીતારામ બોલતા ખાસ્સો મોટો વીરડો ગાળ્યો.

જેમાં સૌ કોઇના આશ્ચર્ય વરચે ટોપરા જેવું મીઠું પાણી કાઢી સૌ કોઇની તરસ છિપાવી બાપાશ્રીની આવી અસીમ શક્તિ જોઇ સૌ કોઇ આશ્ચર્ય ચકિત થઇ ગયા અને બાપાનો જય જયકાર બોલાવી ઊઠ્યા.

મુંબઇથી ફરતાં-ફરતાં જમાત અમદાવાદ આવી ત્યારે બાપાશ્રીએ જમાતથી છૂટા પડવાની રજા માંગતા તેમને સીતારામદાસજીએ આશીર્વાદ સહ રજા આપી માનવસેવા કરવા માટે આદેશ આપ્યો. તે સમયે બાપાશ્રી પોતાની પાસે માત્ર એક તૂંબડી અને નાનો ચીપિયો રાખતા.

તેઓ આડબંધ પહેરતા. ધૂણી ધખાવી શરીરે રાખ પણ ચોપડતાં. બાપાશ્રી અમદાવાદથી ફરતાં ફરતાં સુરત પાસેના સરઇ ગામે, વેજલપુર હનુમાનના મંદિરે, સુરતના અશ્વિનીકુમાર ઘાટ ત્યાંથી સૌરાષ્ટ્ર તરફ વલભીપુર, ઢસા, પાલિતાણા, પીથલપુર, વાળુકડ વગેરે સ્થળોએ વિચરેલા.

આ બધા ગામોનું વિચરણ કરી બાપાશ્રી અંતે ભાવનગર જિલ્લાના બગદાણા ધામે પહોંરયા. ત્યાં તેમણે જૂની પોલીસ લાઇન સામે ચોરામાં પોતાનું આસન જમાવ્યું. તેઓ હંમેશાં ખુલ્લામાં જ રહેતા. ટાઢ-તડકો કે વરસાદ સામે રક્ષણ માટે કોઇ જ આડશ તેઓ ન રાખતા.

બંડી-ધોતી તેઓ પહેરતાં. ૮ વર્ષ સુધી તેઓ ચોરામાં જ બેસતા હતા, પછી ભક્તજનોના આગ્રહને કારણે તેમણે મઢીએ પોતાનું આસન ફેરવ્યું. પછી ત્યાં જ ભક્તજનોના રહેવા-જમવાની વ્યવસ્થા થતી ગઇ.

ગુરુપૂર્ણિમાને દિવસે સાધુ-સંતો-સેવકો ઊમટી પડતાં. એ જગ્યા પણ ટૂંકી પડવા લાગતાં ૧૯૬૩માં શ્રાવણ વદ ૧૦ના દિવસે હાલની નવી મઢીનું વાસ્તુ કરાયું હતું.

બગદાણામાં બગદેશ્વર મહાદેવનું મહાભારત કાળનું ગણાતું અત્યંત પ્રાચીન મંદિર આવેલું છે. જ્યા બગદામલ ઋષિએ આજથી હજારો વર્ષ અગાઉ કડબના એક પૂળા પર ઉગ્ર તપશ્ચર્યા કરેલ.

બગદેશ્વર મહાદેવનું મંદિર ત્રિવેણી સંગમ પર આવેલું છે. અત્રે ૩ નદીઓનાં સંગમ થાય છે. સામે થોડે દૂર હનુમાનધારા નામનો ટેકરો આવેલો છે. જ્યાં ગરમ પાણી ઝરે છે. આજે બાપાશ્રીએ સ્થાપેલ મઢી ખાતે તમામ પ્રકારની સગવડતાવાળો વિશાળ આશ્રમ ઊભો થઇ ગયો છે.

દર વર્ષે અત્રે લાખો શ્રદ્ધાળુઓ ઊમટી પડતા હોવા છતાં તેમને કશી તકલીફ ના પડે તેવું સુંદર આયોજન કરાયું છે. બાપાશ્રીનું અન્નક્ષેત્ર સતત શરૂ જ રહે છે. અહીંથી બાપાશ્રીની પ્રસાદી લીધા વગર કોઇ પાછું જતું નથી. ગુરુપૂર્ણિમાએ અત્રે માનવ મહેરામણ ઊમટી પડે ત્યારે તે તમામની સેવા સતત ખડે પગે બાપાશ્રીનો સેવકગણ કરે છે.

ગુરુ આશ્રમ બગદાણામાં બાપાશ્રીની મઢી, તેમની બંડી, ચીપિયો, તુંબડી વગેરે આજે પણ યથાવત્ સ્થિતિમાં જાળવી રખાયા છે. બાપાશ્રીની નક્કર ચાંદીમાંથી બનાવાયેલ અને ગામેગામ શોભાયાત્રા સ્વરૂપે ફરેલ મૂર્તિ નૂતન મંદિરમાં પધરાવાઇ છે. આ મંદિરની ઊંચાઇ ૧૪૮ ફૂટની છે.

હાલમાં બાપાશ્રીના પરમ શિષ્ય મનજીબાપાની દેખરેખ નીચે આશ્રમનું સંચાલન થઇ રહ્યું છે. અસંખ્ય ભક્તોના જીવનને ઉજ્જવળ બનાવનાર બાપાશ્રીએ ૧૯૭૭માં પોષ વદ ચોથના દિવસે દેહત્યાગ કર્યો હતો. આ વાતને આજે ૩૩ વર્ષ થઇ ગયાં હોવા છતાં તેઓ આજેય પોતાના ભક્તજનોના દિલમાં હજરાહજૂર છે.

તેમનાં કાર્યોને તેમના ભક્ત સમુદાયે બરાબરના ઉપાડી લીધા હોય દુખિયાના બેલી બજરંગદાસબાપા આજે પણ અસંખ્યોના દુ:ખોને વિવિધ સ્વરૂપે હરતાં રહે છે. બાપાશ્રીની અસીમ કૃપા સૌ કોઇ પર વરસતી રહે તેવી શ્રદ્ધા સાથે બાપા સીતારામ !

બાળકોના વહાલા બાપા સીતારામ

બાપાશ્રીને બાળકો ખૂબ જ ગમતાં. તેઓ બાળકોમાં પરમાત્મા નિહાળતા. તેઓ પોતાની બંડીમાં પીપરમેન્ટ રાખતા. બગદાણાની પ્રાથમિક શાળા પાસે આવેલા પાકા ઓટલા પર તેમની બેઠક રહેતી.

શાળા છૂટે કે રિસેસ પડે એટલે સૌ બાળકો બાપાશ્રી પાસે આવી બાપા સીતારામ બોલે. બાપાશ્રી તેમની સાથે ખૂબ જ ગેલ કરતાં અને પીપરમેન્ટના પેકેટમાંથી બધાં બાળકોને મૂઠી ભરી-ભરીને પીપરમેન્ટની પ્રસાદી આપતા.

બજરંગદાસ બાપાનો દેશપ્રેમ

પૂ. બજરંગદાસબાપા માત્ર ધાર્મિક વૃત્તિના જ નહી બલકે એક સાચા દેશભક્ત પણ હતા. ૧૯૬૫માં ભારત-ચીન યુદ્ધ વખતે વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની એક હાકલ પડી ને બાપાશ્રીએ તેમની મઢીની તમામ ચીજવસ્તુઓની હરાજી કરી નાખી.

તેમાંથી આવેલ બધી રકમ સંરક્ષણ ભંડોળમાં મોકલાવી આપી. તેઓ જે બંડી પહેરતાં તે સુઘ્ધાં તેમણે દેશને મદદ કરવા હરાજી કરી નાખી. આ રીતે દેશપ્રેમનું અનોખું ઉદાહરણ પૂરું પાડયું.

ગુરૂ આશ્રમ બગદાણા

કેવી રીતે જશો ? બગદાણા તળાજાથી ૩૫ કિ.મી દૂર આવેલું છે. તળાજા ભાવનગરથી ૫૧ કિ.મી. દૂર છે. ભાવનગર રોડ-રેલવે તથા હવાઇ માર્ગે તમામ મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. નજીકનાં સ્થળો ભાવનગર-તળાજા-મહુવા-પાલીતાણા વગેરેથી ટેક્સી-રીક્ષા-છકડો-ટેમ્પો વગેરે સરળતાથી મળી રહે છે.

પદયાત્રા સંઘો પણ અનેક આવે છે. તળાજા-બગદાણા રસ્તો થોડો ખરાબ છે. બગદાણામાં ભક્ત જનોને રહેવા માટે મંદિર તરફથી નંદીગ્રામ તથા ગોપાલગ્રામ કરીને સુંદર વ્યવસ્થા છે. જમવા માટે અન્નક્ષેત્ર પણ છે. જ્યાં દરરોજ અસંખ્ય લોકો પ્રસાદીનો લાભ લે છે.

બગદાણા ખાતે દર ગુરૂપૂર્ણિમા અને પૂનમનાં દિવસે દર્શન કરવા આવનાર યાત્રાળુઓનો ધસારો વધુ રહે છે. ભક્તોની સેવા કરવા માટે બાપાશ્રીનો સેવક ગણ સતત ખડે પગે હાજર રહે છે.

THIS PAGE FROM–> jaibapasitaram.blogspot.com

Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s